Dharmaj Day

"ધર્મજ ડે” - એક અભિનવ પ્રયોગ"
 

પરિકલ્પના:

ભારતીય સંસ્કૃતિના મહાકવિ કલિદાસે કહ્યું છે કે ““ ઉત્સવ પ્રિયાઃ ખલુ મનુષ્યઃ ” ઉત્સવપ્રિય: ખલુ મનુષ્ય: “ આપણી ભારતીય પરંપરામાં વર્ષભર સમયાંતરે  તહેવારોની ગોઠવણીના કારણે માનવીની રોજિંદી યંત્રવત જીદંગીમાં ઉત્સાહનું ઇજન પુરાય છે.

ચરોતર પ્રદેશમાં જેની ગણના વિકસીત ગામ તરીકે થાય છે. તેવા ધર્મજ ગામના પાટીદારો પેઢીઓથી  વતનથી દૂર દેશ અને પરદેશમાં વસ્યાં છે. પાટીદારોમાં  સહજ હોય છે તેવા સાહસિકતા, પ્રમાણિક્તા, મહેનત અને આગવી વ્યવસ્થાપનની સુઝબુઝના જન્મજાત ગુણો ધર્મજિયાનોમાં હોય  જ તે સ્વાભાવિક છે. જેના કારણે પોતપોતાના ક્ષેત્રમાં સારૂ કાઠું કાઢ્યું છે.

મૂળ ધરતીના છોરૂં એવાં આ ધર્મજના વતનીઓ વતનથી દૂર  રહ્યાં પણ વતન તેમના દિલમાંથી દૂર ના થયું. નિયમિત અંતરે માદરે વતનમાં આવવું, ગામના વિકાસમાં સહભાગી  બનવું, આ બધુ ચાલતું જ હતું. કેટલાંક લોકોની તો ત્રીજી પેઢી વતનની બહાર રહેતી થઈ છે. તેવાં લોકોએ તો વર્ષમાં ત્રણ થી ચાર મહિના રહેવા માટે નવાં મકાનો બાંધવાના શરૂ કર્યા છે. કારણ કે આ તો વતનનું ગામ છે  અને જેના માટે કહેવાય છે કે આ તો "સૌને ગમે  એવું ગામ ધર્મજ“ છે.

આ બિન નિવાસી વતનીઓ જેમને ગામમાં હવે તો એન આર ડી  એટલે કે ‘નોન રેસિડેન્ટ  ધર્મજીયન’ તરીકે  ઓળખવામાં આવે છે. તેમની સાથેની ચર્ચામાંથી એક વાત ઊભરી આવી કે  ત્રીજી અને ચોથી પેઢીનાં તેમનાં  વારસદારોએ  ધર્મજ કદાચ જોયું પણ ના હોય છતાં ધર્મજ પ્રત્યેનો તેમનો લગાવ  ખુબ જ છે. તેથી કોઈક એવા પ્રસંગનું  આયોજન કરવું જોઈએ જેના કારણે બધાં વર્ષમાં એક વખત વતનમાં ભેગાં થાય. આ વિચાર બીજ અકુંરીત થયું અને તેમાંથી “ જન્મ થયો “ધર્મજ ડે” ઉજવણી પ્રસંગનો.

“ધર્મજ ડે”  ઉજવણી – ૧૨  મી    જાન્યુઆરી કેમ ?

“ધર્મજ ડે” ” ઉજવણીની વાત જ રોમાંચક હતી. તા. ૧૨ મી જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ શ્રી જલારામ મંદિર ખાતે સુંદરકાંડના  પાઠ રાખેલ. જેની પૂર્ણાહુતી બાદ સૌ ગામની ચર્ચા કરી રહ્યાં હતાં.  ધર્મજની નવી પેઢી કે જેણે  વતન જોયું પણ નથી  તેને પણ ધર્મજ પ્રત્યે લગાવ છે તેવો મત પ્રદર્શીત  થયો. નવી  તથા જૂની પેઢીના લોકો ગામમાં વર્ષે એક વખત નિયમિત સ્વરૂપે આવે, ગામના વિકાસમાં રસ લે અને પોતાનાં મૂળ સાથે  જોડાયલાં રહે  તેવા ઉમદા વિચાર  સાથે એક પ્રસંગ નિયમિત  ઉજ્વવાનું નક્કી થયું. દરેક ધર્મજીયનને પોતીકાપણાનો ભાવ જાગે તે માટે  પ્રસંગનું નામ અપાયું “ધર્મજ ડે”.

““ધર્મજ ડે” ” ઉજવણી પ્રસંગની થોડી રૂપરેખા ત્યારે જ નકકી  થઈ. વિષય આવ્યો દિવસ નક્કી કરવાનો. આ દિવસ એવો  રાખવાનો હતો કે જે બધાંને અનુકુળ હોય. એક વખત તારીખ નક્કી થાય પછી કોઈ પણ સંજોગોમાં બદલવી નહીં તે પણ નક્કી થયું. બે વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી આ ઉજવણી નક્કી થઈ હતી. એક તો નવી પેઢીના યુવાનો જેમને કારણે આ ઉજવણીને “  “A Celebration  for Genext” પણ કહેવાય છે., બીજાં હતાં દરિયાપાર રહેતાં  ધર્મજીયનો. પરદેશમાં રહેતાં ધર્મજીયનો હોટેલ, મોટેલ તથા સ્ટોર્સ જેવાં વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેથી તેમનું સૂચન હતું કે દર વર્ષે ૩૧મી ડિસેમ્બર પછીની કોઈ તારીખ હોય તો બધાંને આવવાની અનુકૂળતા રહે. જાન્યુઆરી માસના પહેલાં બે અઠવાડિયાનો વિચાર થયો. કારણ કે મકરસંક્રાંતિ પછી સ્થાનિક સ્તરે લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલે છે. તેથી ક્યાંક ““ધર્મજ ડે” ના દિવસે જ ગામમાં કોઈક મોટા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ આવી જાય તો ઉજવણીમાં બધાં ભાગ ન પણ લઈ શકે.

આમ બધાં પાસાંનો વિચાર કરતાં કરતાં જે દિવસે આ ચર્ચા ચાલતી હતી તે દિવસે એટલે કે ૧૨મી જાન્યુઆરી  સૌને બધી રીતે અનુકૂળ લાગી. તેમાં પણ સોનામાં સુગંધ ભળે એવી વાત એ હતી કે ૧૨ મી જાન્યુઆરી એટલે ભારતીય સંસ્કૃતિના યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે. વધુમાં આ દિવસને ભારતમાં “યુથ ડે”  તરીકે પણ ઉજવવામાં આવે છે.  ““ધર્મજ ડે”  ઉજવણીનો આશય પણ  યુવાનો  અને સંસ્કૃતિને જોડવાનો જ હતો. વધુમાં આ દિવસે કોઈ લગ્ન પ્રસંગ હોય નહીં. ૧૪ મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આવતી હોઈ “ધર્મજ ડે” ઉજવણી માટે આવતાં ધર્મજીયનો બે દિવસ રોકાઈને ગામની   અગાશીઓમાં જઈને પતંગ ચઢાવી પોતાના શૈશવનાં  સ્મરણોને પણ વાગોળી શકે. આમ અનેક વાતોને  જોડતો દિવસ    એટલે  કે “ ૧૨ મી  જાન્યુઆરી “ધર્મજ ડે”  ઉજવણી માટે નક્કી થયો.

ઉજવણી નું  સ્વરૂપ :

શરૂઆતથી જ આ પ્રસંગને સૌના પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. તેથી આવનારાં  તમામ યજમાનો જ હોય છે.  દર વર્ષે વધુ સારું કરવાની ભાવનાથી કંઈકં ને કઈક નવીનતા લાવવાનો પ્રયત્ન થાય છે. જેમ કે શરૂઆતના બે વર્ષ બાદ દર વર્ષે  ચોક્કસ રંગ નક્કી કરી થીમ બેઇઝ ઉજવણી થાય છે. ગામની લક્ષ્મી સ્વરૂપ દીકરીઓની લાગણીને ધ્યાનમાં લઈ  ગામની દીકરી- જમાઈ તથા તેમનાં પરિવારજનોને પણ આમંત્રણ  પાઠવવામાં આવે છે. ક્યારેક આવનારાં સૌને બાળપણ યાદ કરાવી દે તેવી રમતો જેવી કે સાતોડિયું , ભમરડા , લખોટી, છાપો વિ. રમવાની સુવિધા ઊભી કરવામાં આવે છે. ક્યારેક ધર્મજ ગામની આસપાસનાં પ્રાકૃતિક  વાતાવરણ અને તેમાં વસતી જૈવ સૃષ્ટી તથા ઋતુ પ્રમાણે દેશાવરથી આવતાં પક્ષીઓ વિ. નું ફોટો પ્રદર્શન પણ યોજાય છે. “ધર્મજ એક ઉદાહરણીય ગામ” એ શીર્ષક હેઠળ ધર્મજ ગામ વિશે રાજેશ પટેલ લિખિત પુસ્તકની ગુજરાતી તથા અંગ્રેજી એમ   બંને  ભાષાની આવૃત્તિનું પ્રકાશન પણ “ધર્મજ ડે” ના મંચ ઉપરથી જ એક સાથે થયેલ છે.  જેનું પ્રકાશન ““ધર્મજ ડે” ઉજવણી સમિતિએ કરેલ છે . “ધર્મજ ડે” માં બહારથી આવનાર ધર્મજિયનો  માટે “ધર્મજ દર્શન “ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. ક્યારેક યુવાનો દ્વારાં જનજાગૃતિ અંગે બાઈક રેલી  પણ કાઢવામાં આવે છે.

સામાન્ય રીતે ““ધર્મજ ડે” “ના  બે-ત્રણ દિવસ અગાઉ થી ગામમાં અનેરા ઉત્સાહનું  વાતાવરણ શરૂ થઈ જાય છે. શ્રી જલારામ મંદિર ખાતે  વિશાળ મંડપ  તથા અન્ય વ્યવસ્થાઓ ઊભી થાય છે. હજારોની સંખ્યામાં આવનાર ધર્મજિયાનોની બેઠક તથા ભોજન વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળ ઉપર વિવિધ ઉત્પાદકો, બેન્કો, વીમા કંપનીઓ વિ માટે ધંધાના પ્રચાર – પ્રસાર માટે મર્યાદિત સંખ્યામાં સ્ટોલ્સ ઊભા કરવામાં આવે છે. લોકો પણ સવારથી ગામમાં આવવાનાં શરૂ થઈ જાય છે. ગામમાં રહેતાં સ્થાનિક સગાં – સંબધીને મળે તથા ગામની સંસ્થાઓની મુલાકાત લે ત્યાં સુધીમાં તો સાંજ પડી જાય.

સાંજે ૪:૦૦ કલાકે સૌ કાર્યક્રમ સ્થળે આવવાનું શરૂ કરી દે છે.  સામાન્ય રીતે સાંજે ૪ થી ૫:૩૦ એક બીજાંને મળવું ત્યાં કાર્યક્રમ સ્થળે ઊભા કરેલ માહિતી કેન્દ્રમાં વિગતોની આપ લે  કરવી, સ્થળ ઉપર ઊભા કરેલાં સ્ટોલ્સની મુલાકાત અને અન્ય પ્રવૃતિઓમાં ભાગ લે છે . સાંજે ૬:૦૦ થી ૮  દરમિયાન મુખ્ય કાર્યક્રમ એટલે કે  ““ધર્મજ ડે” સન્માન સમારંભનું આયોજન  થાય છે. તેમાં સમાજના અગ્રણીઓના હસ્તે ધર્મજ તથા સમાજ માટે ઉમદા કામ કરનાર અને ગામને ઓળખાવનાર ધર્મજના વતનીઓનું “ધર્મજ રત્ન”  “ તથા ““ધર્મજ ગૌરવ” “ એવોર્ડ  આપીને સન્માન કરવામાં આવે છે.  આ નિમિત્તે દર વર્ષે  સ્મરણીકા પણ બહાર પાડવામાં આવે છે. રાત્રે ૮ થી ૯:૩૦ દરમ્યાયન પ્રીતિભોજન રાખવામાં આવે છે.  રાત્રે ૯:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન સાંસ્ક્રુતિક કાર્યક્રમ, ગુજરાતી નાટક વિ રાખવામાં આવે છે.

 “ ધર્મજ ડે “ ઉજવણી સ્ટોલ બુકિંગ:

“ધર્મજ ડે” ઉજવણીમાં હજારોની સંખ્યામાં દેશ- પરદેશથી ધર્મજીયનો, દીકરીઓ  તથા તેમના શ્વસુર પક્ષના કુટુંબીજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહે છે. જેમાં ચરોતર પાટીદાર સમાજના તમામ ગોળના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે. તેથી આ કાર્યક્રમ સ્થળે  ઊભા કરવામાં આવતાં સ્ટોલ ધારકોને માત્ર ગણતરીના કલાકોમાં જ ખૂબ સારા સંપર્કો સાધી ધંધાકીય ઉત્થાનનું કામ અસરકારક રીતે થાય છે. આ સ્ટોલની સંખ્યા એકદમ મર્યાદિત હોઇ “વહેલાં તે પહેલાં “ ના ધોરણે નક્કી કરેલ નિભાવખર્ચ જમા કરાવનારને ક્રમાનુસાર  પસંદગીના ધોરણે સ્ટોલ ફાળવવામાં  આવે છે.  

“ધર્મજ ડે “ ઉજવણી આમંત્રણ: 

અગાઉ  જણાવ્યું તેમ આ દરેક ધર્મજીયનનો  પ્રસંગ છે અહીં કોઈ મહેમાન નહીં પણ બધાં જ યજમાન હોય છે. તેથી ધરતી ઉપર રહેતાં તમામ ધર્મજીયનોને  આ પ્રસંગનું કાયમી આમંત્રણ હોય છે. અન્ય કોઈ પણ વિગત મેળવવા નીચેના સરનામે સંપર્ક  કરવા વિનંતી સાથે સૌના અમુલ્ય સૂચનો પણ આવકાર્ય છે.

આવો આપણે સૌ સાથે મળીને  આપણાં પોતીકા પ્રસંગે  એવા ““ધર્મજ ડે” ઉજવણીને  વધુ અર્થસભર અને રોમાંચક બનાવીએ

લી.  આપણે સૌ .

ટીમ ધર્મજ

ધર્મજ ડે “ ઉજવણી સમિતિ

પાટીદાર સમાજ , ધર્મજ

ગો.મ. વિરક્તાશ્રમ સંકુલ, આશ્રમ રોડ.

મુ. ધર્મજ – ૩૮૮૪૩૦

તા. પેટલાદ, જી. આણંદ (ગુજરાત – ભારત)

ફોન  નં : + ૯૧ ૨૬૯૭ ૨૪૫૪૬૦

ફેક્સ  નં :    + ૯૧ ૨૬૯૭ ૨૪૫૫૧૨

E :  dharmajday07@hotmail.com

Website : mydharmaj.com

Or

E:mail: jalaramtrust@gmail.com

Website: shreejalaram.org

વ્યક્તિ સંપર્ક: રાજેશ પટેલ :  ૯૪૨૬૫ ૦૦૭૫૭  / ૯૪૦૮૧૫૦૫૦૦

E : rajesh.patel@mydharmaj.com

હેમંત પટેલ : ૯૪૨૬૫ ૦૦૭૬૫

E : ganesh.dmj@gmail.com